शनिवार, 12 सितंबर 2020

નિબંધ લેખન શિક્ષણ પધ્ધતિ

 * નિબંધ લેખન શિક્ષણ પધ્ધતિ :

પ્રસ્તાવના :
આપણા દેશમાં એટલે કે ભારતીય ઉપખંડમાં મધ્યયુગના સમયકાળમાં વિશાળ નિબંધ સાહિત્યની રચના થઇ છે. સ્મૃતિઓ અને પુરાણોમાં ધર્મ અને તત્વજ્ઞાન ના જે નિર્દેશો મળે છે. તેમનું વિસ્તારથી સંકલન નિબંધ ગ્રંથોમાં થયું છે. સ્મૃતિઓ અને પુરાણોમાં પરસ્પર ભિન્નતા અને અસ્પષ્ટતા જોવા મળે છે., તેમનું સ્પષ્ટીકરણ અને એકવાક્યતા નિબંધ ગ્રંથોમાં થયું છે. પ્રમાણ આપીને પ્રત્યેક વિષયનું વિસ્તારપૂર્વક વિવેચન નિબંધ ગ્રંથોમાં થયુ છે, તેથી ધર્મશાસ્ત્રના વિદ્વાનો નિબંધ સાહિત્યને સ્મૃતિગ્રંથો જેટલું જ પ્રમાણ માને છે.
નિબંધનો અર્થ :
       ‘નિબંધ’ ગદ્ય લેખનની એક કળા છે. પરંતુ સાહિત્યિક આલોચનામાં સર્વાધિક પ્રચલિત શબ્દ નિબંધ જ છે. એને અંગ્રેજીમાં Composition (રચના, શબ્દ યોજના, સંયોજના) અને Essay (નિબંધ) ના અર્થમાં ગ્રહણ કરવામાં આવે છે.
       નિબંધ એક એવી કલાકૃતિ છે જેમાં નિયમ લેખક દ્વારા જ આવિષ્કૃત (બનાવવામાં) આવે છે. નિબંધમાં સહજ, સરળ અને આડંબરહિન (કોઈ પણ દેખાડા સિવાય) ની રીતે જ વ્યક્તિત્વની અભિવ્યક્તિ થાય છે.
è હિન્દી સાહિત્યના કોશ અનુસાર – ‘લેખક વિના કોઈ સંકોચે પોતાના પાઠકોને પોતાના જીવન-અનુભવ કહે છે. અને એને આત્મીયતાની સાથે એમાં ભાગ લેવા માટે આમંત્રિત કરે છે. નિબંધની ઘનિષ્ઠતા  (વધારે) જેટલી સાચી અને સઘન હોય, એમનો નિબંધ પાઠકોં પર એટલો જ સીધો અને તીવ્ર અસર કરશે. 
નિબંધની વ્યાખ્યા :
è ‘નિબંધ’ લેખકના વ્યક્તિત્વને પ્રકાશિત કરવાવાળી લલિત ગદ્ય-રચના છે.’
è ‘નિબંધ’ એટલે ચર્ચાના એક વિષય સાથે ધ્યાન કેન્દ્રિત ગદ્ય રચના’ અથવા ‘ એક લાંબા, વ્યવસ્થિત  પ્રવચન ને નિબંધ કહેવાય.’
è ‘જેને કોઈ બંધન નથી. તેને નિબંધ કહે છે.’
નિબંધ લેખન શિક્ષણ પધ્ધતિઓ :
       નિબંધ લેખનનું શિક્ષણકાર્ય કરવામાં ઉપયોગી કેટલીક પધ્ધતિઓની વિચારણા અહીં રજૂ કરેલ છે.
(1)       અવલોકન કરો અને લાખો : આ પધ્ધતિ પ્રણેતા મોન્ટેસરી અને ફ્રોબેલ હતા. આ પધ્ધતિમાં જ્ઞાનેન્દ્રિયો દ્વારા શિક્ષણ, ક્રિયા દ્વારા શિક્ષણ, અનુકરણ દ્વારા શિક્ષણ તેમજ સ્વશિક્ષણ જેવાં મનોવૈજ્ઞાનિક આધારો પર રચાયેલી છે.
આ પધ્ધતિમાં વિદ્યાર્થીઓ વસ્તુનું અવલોકન કરે છે અને તેનું વર્ણન કરી લેખન માત્રે ઉપયોગી ભાષા વસ્તુ (શબ્દો, મૂળાક્ષરો વગેરે) પૂંઠા કે કાગળની કાપલીમાં લખીને અલગ રજૂ કરે છે. વિદ્યાર્થીઓ પોતાની સ્વતંત્ર સમજ પ્રમાણે અભિવ્યક્તિ કરવા ભાષાવસ્તુણો ઉપયોગ કરે. આ પ્રવિધિ બાળકોની ઉંમર અને વર્ગક્ક્ષા પ્રમાણે ભાષા/લેખન અનુભવોને ધ્યાનમાં લઇ પ્રાથમિક કક્ષાએ ઉપયોગી બનાવી શકાય.
   
(2) પ્રશ્નોત્તર પધ્ધતિ : પ્રશ્નોત્તર પધ્ધતિ અંગે ‘પધ્ધતિ’ ના પ્રકરણમાં ચર્ચા કરેલ છે. નિબંધના વિષયના સંદર્ભમાં શિક્ષક પ્રશ્ન, પરિપ્રશ્નના આધારે વર્ગમાં ચર્ચા કરે અને કા.પા.માં (કાળા પાટિયામાં) મુદ્દાઓ નોંધતા જાય. જેનો વિસ્તાર કરી વિદ્યાર્થીઓ નિબંધ લખે.
આનાથી વિરુદ્ધ અધ્યેતા વિષયના સંદર્ભમાં અધ્યાપકોને પ્રશ્ન પૂછે અને નિબંધની ચર્ચા થાય. તેમાં તથ્યો, માહિતી, સિધ્ધાંતો, સંકલ્પનાઓ, અનુમાન તર્ક, દલીલ વગેરેની રજૂઆત થાય. અને વિદ્યાર્થી નિબંધ લખે.
 (3) સૂત્રવિધિ : સૂત્ર કે સૂક્તિ સ્વરૂપે રજૂ થયેલી વિગત, સિધ્ધાંત સમજને વિસ્તાર વિવેચનથી ટીકા-ટિપ્પણથી સમજાવવાની વિધિ એટલે સૂત્રવિધિ. આ પધ્ધતિ ગુરુકુલપ્રથામાં ઉપયોગમાં લેવાતી.
અર્થ વિસ્તારવિચાર વિસ્તાર જેવાં લેખન પ્રકારો  વિધિથી શીખવી શકાયવિવેચન કે સમજ વિસ્તારવા કહેવતવિચાર કંડિકા (નાનું પ્રકરણફકરો), કાવ્યપંક્તિઓ કે સૂત્રોનો આધાર લેવામાં આવે છે. આ નીતિને ઐતિહાસિક ઘટનાઓ, જીવનકથાના પ્રસંગો, વ્યક્તિ વિશેષના કર્યો, સામાજિક પરિસ્થિતિ કે ઘટના વિશેષનું વર્ણન પણ કરાવી શકીએ.
(4) પ્રવચન પધ્ધતિ : આ પધ્ધતિની ચર્ચા ને આપણે પરિસંવાદ કે સહ્સંવાદ, પરિચર્ચા કે સંગોષ્ઠિના નામે ઓળખવામાં આવે છે. આ વક્તા-શ્રોતા પધ્ધતિ છે. એક જ વિષયના ભિન્ન-ભિન્ન પાસાંઓ પર પરિસંવાદ કે પ્રવચનમાં ભાગ લેનાર સભ્યો પોતાના જ્ઞાન, સમાજના વિચારોની વર્ગસમક્ષ રજૂઆત કરે છે. અહીં તજજ્ઞો દ્વારા ચર્ચા થતી હોવાને કારણે તેમના જ્ઞાનનો લાભ મળે છે.
    ચિંતનાત્મક, શાસ્ત્રીય વિચારણા કે અભિનય વિષય માટે આ પધ્ધતિનો ઉપયોગ કરી શકાય.
(5) સ્વાધ્યાય અને મુલાકાત પધ્ધતિ : કોઈપણ વિષય અંગે નિબંધ લેખન કરવા માટે શિક્ષક સંદર્ભ સાહિત્ય, સામગ્રી, સ્રોત, વ્યક્તિ, સ્થળ અંગે માહિતી આપે છે. વિદ્યાર્થીએ તે સંદર્ભોની શોધ કરી, અભ્યાસ કરી અને સંપાદન કરી નિબંધ લેખન કરવાનું હોય છે. શિક્ષક મુલાકાત દ્વારા માર્ગદર્શન આપે છે. આ પધ્ધતિ ઉચ્ચતર માધ્યમિક શાળામાં ઉપયોગી બને. શિક્ષકનું ચોકસાઈ ભર્યું માર્ગદર્શન અને વિદ્યાર્થીની અભ્યાસ નિષ્ઠા પર પદ્ધતિની સફળતાનો આધાર છે.
(6) અનુકરણ અને આદર્શ વિધિ : વિદ્વાનો, લેખકો, સાહિત્યકારોએ લખેલા નિબંધોનું વાચન કરે. તેના અનુકરણથી વિદ્યાર્થીઓમાં વિચાર પ્રક્રિયા, લેખનશૈલી, રજૂઆત ક્રમ વગેરે અંગે ક્ષમતા કેળવાય અને તેના આધારે તેઓ અનુકરણથી નિબંધ લેખન છે.
(7) વાદ-વિવાદ પધ્ધતિ : સંવાદ-સમસ્યાયુક્ત વિષય પર પક્ષ-વિપક્ષના દ્રષ્ટિબિંદુથી વિવાદાત્મક નિદર્શન રજૂ કરી નિબંધ લખવાની આ પધ્ધતિ છે. વર્ગમાં વાદ-વિવાદ રૂપે ચર્ચા કરાવી પક્ષ-વિપક્ષની દલીલો સાથે લેખનકાર્ય કરાવી શકાય.
     દા.ત.- રમતોત્સવમાં ‘ડીબેટ’ પ્રોગ્રામમાં  ‘ભારતીય અર્થતંત્ર માટે શહેરી કરતાં ગ્રામીણીકરણને અગ્રીમતા આપવી જરૂરી ?’ વિષય પર વાદ-વિવાદ ગોઠવી શકાય. અથવા કોઈ પણ તાજેતરમાં પ્રવર્તી રહેલી સમસ્યા લઈને તેના પર વાદ-વિવાદ ગોઠવી શકાય.
(8) જૂથ ચર્ચા પધ્ધતિ : વિષયના સંદર્ભમાં વિવિધ મુદ્દાઓની ચર્ચા માટે વર્ગના વિદ્યાર્થીઓને જૂથમાં વહેંચી નાખી ચર્ચાના અંતે વર્ગમાં અહેવાલ વાચન કરાવી નિબંધ લેખન કરાવી શકાય.
         આ પધ્ધતિમાં કોઈ એક પ્રશ્ન કે સમસ્યા પર એક કરતાં વધુ જૂથ ચર્ચા કરે તેને જૂથ ચર્ચા કહે છે. વેબસ્ટર ચર્ચા શબ્દને સ્પષ્ટ કરતાં જણાવે છે કે, “કોઈ એક પ્રશ્ન, સમસ્યા કે મુદ્દાને વિવિધ બાજુથી, દ્રષ્ટિકોણથી વિચારવો, તપાસવો કે તેનું વિશ્લેષણ કરવું તે ચર્ચા કહેવાય.” આ ચર્ચા વિવિધ રીતે એટલે કે વર્ગના પત્રાંક અનુસાર, સામાજિકતામિતિ અનુસાર કે બુદ્ધિઆંક પ્રમાણે વિદ્યાર્થીઓનાં પાડેલાં જૂથો વચ્ચે કરાવવામાં આવે ત્યારે તેને જૂથ ચર્ચા પધ્ધતિ કહે છે. તેને અંગ્રેજીમાં Group Discussion Method કહે છે.
     દા.ત.:- કોઈ મોટી કંપનીમાં નોકરી મેળવવા સર્વ પ્રથમ લેખીત પરીક્ષા પાસ કર્યા બાદ આગળની પ્રોસેસમાં તેમને Group Discussion પધ્ધતિ રાખવામાં આવે છે. જેમાં એક વિષય પર દરેકને પોતાના મંતવ્ય આપવાના હોય છે. જેવી રીતે કે – શાળામાં જાતીય શિક્ષણ આપવું કેટલું યોગ્ય કે મૂલ્ય શિક્ષણ કેમ જરૂરી છે વગેરે વિષય પર ચર્ચા.
(9) પ્રોજેક્ટ પધ્ધતિ :- વર્તમાન શિક્ષણની માંગ ‘ક્રિયા દ્વારા શિક્ષણ’ છે. પ્રોજેક્ટ પધ્ધતિમાં ક્રિયા, વાસ્તવિકતા અનુભવો અને જીવન દ્વારા અધ્યયનને અનુસરવામાં આવે છે. અધ્યેતાને વ્યવહારુ, વાસ્તવિક અને જીવનોપયોગી જ્ઞાન મળે તો જ શિક્ષણ અસરકારક બને. વિદ્યાર્થીને સ્વયં પોતાના ધ્યેય તરફ પહોંચવા પ્રવૃતિશીલ બનાવતી પધ્ધતિ એટલે પ્રોજેક્ટ પધ્ધતિ.
                શિક્ષણનું ધ્યેય વ્યવહારિક દક્ષતા મેળવવાનું છે. બાળકો સ્વયં પ્રેરિત છતાં ધ્યેયલક્ષી પ્રવૃત્તિ, શાળાજીવનમાં અનુભવાતા અનુભવોને વાસ્તવિક જીવનમાં વાતાવરણમાં પાર પાડવાનાં બાળકોના પ્રયત્નો, તેમાં સર્જાતી સમસ્યાઓ, તેનો ઉકેલ મેળવવાનો કે મેળવ્યાનો આનંદ જેવી પ્રક્રિયાઓ આ પદ્ધતિના હાર્દરૂપ છે.
                 આમ, નિબંધ લેખનના સંદર્ભમાં ચારેક દિવસનો પ્રોજેક્ટ લઈને નિબંધ લેખન કરાવી શકાય.
ઉપસંહાર: આપણે પ્રસ્તુત પ્રશ્ન માં નિબંધ લેખન શિક્ષણ પધ્ધતિ વિશે ચર્ચા કરી. જેમાં આપણે પ્રસ્તાવના, નિબંધનો અર્થ, નિબંધની વ્યાખ્યા, નિબંધ લેખનની પદ્ધતિઓ જોઈ. જે યથા-યોગ્ય છે.
                     નિબંધ અને લેખ વચ્ચે પર્યાપ્ત અંતર છે. નિબંધ શબ્દનો પ્રયોગ લેખના અર્થમાં થાય છે. અને લેખોની ઉત્પત્તિ (ઊપજ) વ્યાવહારિકતા સાથે જોડાયેલી છે. આમ, વિષયવસ્તુની પ્રસ્તુતિ અને સંચયન કેવી રીતે થાય, સામગ્રીને કેવી રીતે સજાવીને પ્રસ્તુત કરાય, વગેરે વગેરે જેવી સમસ્યાઓ અહીંયા નિબંધમાં અપેક્ષિત છે.

સંદર્ભ સાહિત્ય :
à ગુજરાતીનું અભિનવ અધ્યાપન (નીરવ પ્રકાશન)
લેખક : શ્રી નટુભાઈ વી. રાવલ
è  માતૃભાષા (ગુજરાતી)નું અભિનવ અધ્યાપન (નીરવ પ્રકાશન)
લેખક : પ્રિ. નટુભાઈ વી. રાવલ
è आधुनिक निबंध – राम प्रसाद किचलू
(राज किशोर पब्लिकेशन, इलाहाबाद)

             

0 comments:

एक टिप्पणी भेजें