शनिवार, 12 सितंबर 2020

સમસ્યા ઉકેલ અંગે જ્હોન ડ્યૂઈનો અભિગમ અને સમસ્યા ઉકેલ અંગેનું શિક્ષણ

 Que. સમસ્યા ઉકેલ અંગે જ્હોન ડ્યૂઈનો અભિગમ અને સમસ્યા ઉકેલ અંગેનું શિક્ષણ :

v   સમસ્યા ઉકેલ અને તેનું શિક્ષણ :
(A)  સમસ્યા ઉકેલ અંગે જ્હોન ડ્યૂઈનો અભિગમ
(B)  સમસ્યા ઉકેલ અંગેનું શિક્ષણ
(A)   સમસ્યા ઉકેલ અંગે જ્હોન ડ્યૂઈનો અભિગમ :
ડ્યૂઈએ અસરકારક રીતે સમસ્યા ઉકેલનારી વ્યક્તિઓના અનેક અવલોકનો કરીને તેઓ દ્વારા અનુસરવામાં આવેલ સોપાનોની શ્રેણી વર્ણવી છે. આ સોપાનો અત્યારે સમસ્યાના ઉકેલના અધ્યાપન માટેના કાર્યક્રમમાં મહદઅંશે ઉપયોગમાં લેવાય છે. આ સોપાનો આ પ્રમાણે છે :
1.      સમસ્યાની રજૂઆત : આ સોપાન પર બે દિશાઓમાં ધ્યાન આપવામાં આવે છે. પ્રથમ વ્યક્તિગત સમસ્યા ઉકેલની તાલીમમાં લોકોને સ,મસ્યાઓ કે જેના પર અત્યાર સુધી ધ્યાન આપવામાં આવ્યું ન હોય તેના અંગે જાગૃત બનવા તેઓને મદદ કરવા પર ધ્યાન આપવામાં આવે. બીજું, સમસ્યાને સ્પષ્ટ રીતે રજૂ કરવાની શિક્ષકની ભૂમિકા પર ધ્યાન આપવામાં આવે છે. સમસ્યા ઉકેલવા માટે જરૂરી માહિતી કાં તો શિક્ષકે વિદ્યાર્થીને આપવી જોઈએ અથવા પૂર્વે વિદ્યાર્થીએ તેના પર પ્રભુત્વ મેળવી લેધુ હોય.
2.      સમસ્યાને વ્યાખ્યાયિત કરાવી : દરેક સમસ્યાને અનેક રીતે વ્યાખ્યાયિત કરી શકાય છે. દરેક વ્યાખ્યા સમસ્યાના ઉકેલની અલગ દિશા આપે છે. આથી વિદ્યાર્થીઓની સમસ્યા વધુમાં વધુ શક્ય વ્યાખ્યાઓ આપવાની ક્ષમતાનો વિકાસ થવો જરૂરી છે. જો વિદ્યાર્થીઓ સમસ્યાની એકથી વધુ વ્યાખ્યાઓ આપી શકે તો તે સમસ્યાના ઉકેલ સંબંધિત પ્રવૃતિઓનું ક્ષેત્ર વિશાળ બને.
3.      ઉત્કલ્પનાઓની રચના કરવી : સમસ્યાની વ્યાખ્યા કર્યા બાદ સમસ્યા ઉકેલ માટે શક્ય તેટલી વધુ ઉત્કલ્પનાઓ રચવામાં આવે છે, જેમ વધુ ઉત્કલ્પનાઓ રચી શકાય તેમ વધુ સંતોષકારક ઉકેલ મળવાની તકો રહે છે.
4.      ઉત્કલ્પનાઓની ચકાસણી કરવી : ઉત્કલ્પનાઓ રચ્યા બાદ દરેક ઉત્કલ્પનાના શક્ય પરિણામો વિચારવાનું વિદ્યાર્થીઓને કહેવામાં આવે છે. પ્રત્યેક ઉત્કલ્પનાનો સ્વીકાર કરતાં સારા અને ખરાબ પરિણામો મળવાની શક્યતાઓ હોય છે.
5.      શ્રેષ્ઠ ઉત્કલ્પનાઓની ચકાસણી કરવી : ઉત્કલ્પનાઓ રચ્યા બાદ દરેક ઉત્કલ્પનાના શક્ય સારા અને ખરાબ પરિણામો મળવાની શક્યતા હોય છે.
6.      શ્રેષ્ઠ ઉત્કલ્પનાઓની પસંદગી : દરેક ઉત્કલ્પનાનું મૂલ્યાંકન કર્યાં બાદ તેમાંથી શ્રેષ્ઠ ઉત્કલ્પનાની પસંદગી કરવામાં આવે છે. અહીં દરેક ઉત્કલ્પનાના શક્ય પરિણામોની ઈચ્છનીયતા ચકાસવામાં આવે છે. હકારાત્મક અને નકારાત્મક ઈચ્છનીયતાઓને આધારે ઉત્કલ્પનાઓને પસંદગી ક્રમ આપી શ્રેષ્ઠ ઉત્કલ્પના પસંદ કરે છે.
(B)   સમસ્યા ઉકેલ અંગેનું શિક્ષણ :
સામાન્ય  રીતે સમસ્યા ઉકેલ માટેની માનસિક પ્રક્રિયાના કૌશલ્યોની તાલીમ આપવા માટે ડ્યૂઈ(1910) એ આપેલાં સોપાનોને અનુસરવામાં આવે છે. પરંતુ અત્રે માહિતી-સંસ્કરણ સિધ્ધાંત અને આસુબેલના સિદ્ધાંતોનો સમન્વય કરીને વિદ્યાર્થીઓને સારા સમસ્યા ઉકેલનારા બનાવવા માટે ગ્લોવર અને બ્રુનિંગ (1987) એ આપેલાં સૂચનો રજૂ કર્યા છે.
1.        વિદ્યાર્થીઓને સમસ્યા ઉકેલનારા બનવાની તક આપો : શિક્ષકે વિદ્યાર્થીઓને નામો, તારીખો, આકૃતિઓ જેવી હકીકતલક્ષી માહિતી આપવાને બદલ તેની સામે સમસ્યા રજૂ કરવી જોઈએ. એ સમસ્યા માટેની જરૂરી ભૂમિકા વિદ્યાર્થીઓ પાસે હોવી જોઈએ. સમસ્યા પૂર્વજ્ઞાનના સંદર્ભમાં અર્થપૂર્ણ હોવી જોઈએ.
2.        વિદ્યાર્થીઓને સમસ્યા વ્યાખ્યાયિત કરવા માટે મદદ કરો : વિદ્યાર્થીઓ સમસ્યાને પોતાના પ્રત્યક્ષીકરણ અને તેને મળેલી માહિતીના આધારે વ્યાખ્યાયિત કરશે. વિદ્યાર્થીઓએ પોતે સમસ્યા ઉકેલવાનો પ્રયત્ન કરે તે પહેલાં ખાતરી કરી લેવી જોઈએ કે તેઓએ સમસ્યાને બરાબર સમજી છે. (આસુબેલ, 1976). માહિતી સંસ્કરણ સિધ્ધાંત અનુસાર શિક્ષકે વિદ્યાર્થીઓને ખૂબ જ સંભાળપૂર્વક પોતાની સમસ્યાના વ્યાપને વ્યાખિત કરતાં શીખવવું જોઈએ; જેમાં વિદ્યાર્થીઓએ પોતાની પ્રારંભિક અવસ્થા શી છે, તેઓનું અંતિમ ધ્યેય શું છે, તેના ચાલકો કયા છે અને તેના પર નિયંત્રણો કયા છે તે શોધી કાઢવું જોઈએ. વિદ્યાર્થીઓએ તેઓને મળેલી સમસ્યા સંબંધિત માહિતીની વિશ્વસનીયતા નક્કી કરવી જોઈએ. જ્યાં સુધી સમસ્યાનો સંપૂર્ણ વ્યાપ સ્પષ્ટ ન થાય ત્યાં સુધી વિશ્વસનીય માહિતી મેળવવાનું ચાલુ રાખવું જોઈએ.તેઓએ નક્કી કરી લેવું જોઈએ કે તેમાં કયો ભાગ ખરેખર માહિતી છે અને કયો ભાગ અનુમાન છે. તમામ વિદ્વાનો જણાવે છે કે સમસ્યા જેટલે અંશે વધુ સારી રીતે વ્યાખ્યાયિત થાય તેટલા પ્રમાણમાં પછીના સોપાનો વધુ સરળ બને છે.
3.        વિદ્યાર્થીઓને ઉત્કલ્પના રચવા માટે ઉદ્દીપ્ત કરો : સમસ્યા ઉકેલનાર જેટલી વધરે ઉત્કલ્પનાઓ રચી શકે એટલે અંશે વધારે સારો ઉકેલ મેળવી શકે. સમસ્યા ઉકેલનારે સમસ્યાના કોઈ એક ભાગ પર જ પોતાનું ધ્યાન સીમિત કરવાનું ટાળવું જોઈએ. અર્થાત ઉકેલના રસ્તાઓ માર્યાદિત ન રાખવા જોઈએ. (બ્રેન્સ્ફોર્ડ અને અન્યો, 1984). તેમજ સમાન જણાતી સમસ્યા માટે સમાન ધારણાઓ ન કરવી.
4.        વિદ્યાર્થીઓને તેઓની ઉત્કલ્પનાઓ ચકાસવા દો : ઉત્કલ્પનાઓ બે રીતે ચકાસી શકાય : (1) આયોજન તબક્કે તેના પર સંપૂર્ણ વિચાર કરીને અને (2) સમસ્યા પરિસ્થિતિમાં તેને વાસ્તવિક રીતે ચકાસવી. બંને રીતમાં વિદ્યાર્થીઓને યોજનાત્મક રીતે કામ કરવા પ્રોત્સાહિત કરવા જોઈએ.
-          સામાન્ય રીતે ઉત્કલ્પનાઓની ચકાસણી આયોજનના તબક્કે જ કરવામાં આવે છે. આથી શિક્ષકે વિદ્યાર્થીઓ દ્વારા ઉત્કલ્પનાની ચકાસણી માટે રજૂ થતા મોડલ્સ કે રૂપરેખાઓનું મૂલ્યાંકન કરવામાં સમય આપવો જોઈએ.
-          સમસ્યા ઉકેલનારે ઉત્કલ્પના ચકાસણી તબક્કે કોઈ તારણ પર કૂદી પડવાનું ટાળવું જોઈએ (ડીસ્કશન, 1984). પ્રથમ ઉકેલ શ્રેષ્ઠ ઉકેલ જ હોય તેવું માની ન લેવું. સમસ્યા ઉકેલનારને હંમેશાં શીખવવું જોઈએ કે ખૂબ જ દેખીતા ઉકેલથી આગળ જવું જ જોઈએ; કદાચ તે વિકલ્પ સમસ્યા ઉકેલ માટે ઉપયોગી જણાતો હોય, તો પણ ઉકેલને બાહ્ય માનદંડો વડે ચકાસવા જોઈએ.
-          વિદ્યાર્થીઓને પણ શીખવવું જોઈએ કે એક ઉત્કલ્પના નિષ્ફળ જાય તો, બીજીને અજમાવવાનો પ્રયત્ન કરવો. સમસ્યા ઉકેલ માટે સતત પ્રયત્નશીલતા જરૂરી છે. વિદ્યાર્થીએ ખાસ શીખવું જોઈએ કે અંતિમ ઉકેલ પસંદ કરતાં પહેલાં અનેક શક્ય વિકલ્પો ચકાસવા જરૂરી છે.
5.        વિદ્યાર્થીઓને તેઓના ઉકેલનું મૂલ્ય નક્કી કરવામાં મદદ કરો : કેટલીક સમસ્યાઓને ઘણાં ઉકેલો હોય છે; પરંતુ તેમાંથી કોઈ એક જ પસંદ કરી શકાય તેમ હોય છે. ઉકેલનું મૂલ્ય નક્કી કરવામાં ખર્ચ, સમય, ચોકસાઈ, પૂર્ણતા વગેરે ધ્યાનમાં લેવા જોઈએ. સામાજિક સમસ્યાઓમાં નૈતિકતા અને મૂલ્યો પણ ધ્યાનમાં લેવા પડે. આથી વિદ્યાર્થીઓને સમસ્યાના ઉકેલનું અનેક માનદંડો વડે ક્રમાંકન કરવા પ્રોત્સાહિત કરવા જોઈએ. સમસ્યાઓ અસ્પષ્ટ હોય, ત્યારે તેની વ્યાખ્યાઓ પણ ઘણી થઇ શકે અને તેના ઉકેલો પણ ઘણાં હોય, સમસ્યાનો એક ઉકેલ બીજી સમસ્યાનું સર્જન કરે. આથી ઉકેલોનું મૂલ્ય નક્કી કરવામાં ખાસ કાળજી લેવી જરૂરી છે.
6.        વ્યક્તિગત ભિન્નતા પ્રતિ સંવેદનશીલ રહો : વિદ્યાર્થીઓમાં ભિન્ન જ્ઞાનાત્મક રીતો હોય છે. વધુ આક્રમક અને લાગણીશીલ વિદ્યાર્થીઓ સમસ્યા ઉકેલમાં વ્યવસ્થિત બને તે માટે તેઓની અધ્યયન પ્રક્રિયા પર ખાસ ધ્યાન આપવું જોઈએ. કેટલાંક સમસ્યા ઉકેલમાં જોખમ લેવા તૈયાર ન થાય. આથી તેઓમાં જોખમ લેવાનું વલણ વિકસે તેવી યોગના શીખવવી જોઈએ. આથી વિદ્યાર્થીઓને સમસ્યા ઉકેલ કૌશલ્યો શીખવવાનું આયોજન કરવામાં વિદ્યાર્થીઓની વ્યક્તિગત રીતોને રાખવી જોઈએ.
7.        વિદ્યાર્થીઓને અયોગ્ય સજ્જતાઓ ટાળવા મદદ કરો : વિદ્યાર્થીઓની સમસ્યા ઉકેલ્બ્વાની ક્ષમતા ચોક્કસ રીતે ઉકેલોને અમલમાં મૂકવાના રસ્તા, પ્રત્યક્ષીકરણ અને અભિગમો અંગેના પૂર્વ માનસિક વલણો વડે પ્રબળ રીતે અસર પામેલ હોય છે. આવાં પૂર્વ માનસિક વલણોને સજ્જતાઓ તરીકે ઓળખવામાં આવે છે. આ પૂર્વ માનસિક વલણો સમાન સમસ્યાઓ અંગેના પૂર્વ અનુભવો મદદરૂપ બને છે. પરંતુ જયારે જૂના ઉકેલો નવી સમસ્યા જેવાં લાગે; પરંતુ તેની સાથે બરાબર બંધબેસતા ન બને ત્યારે મુશ્કેલી ઊભી થાય છે.
         વિદ્યાર્થીઓની આ સજ્જતા સમસ્યામાં મદદ કરવા વિદ્યાર્થીઓને એવી સમસ્યા પર કામ કરાવો જેમાં વિવિધ અને નાવિન્યપૂર્ણ અભિગમોનો ઉપયોગ કરવો પડે. જયારે શિક્ષક સાચા ઉકેલ પર ભાર આપવાને બદલે સમસ્યા ઉકેલ પ્રક્રિયા પર ભાર આપે ત્યારે આ સજ્જતા સમસ્યા ઉકેલાય છે.
·         સંદર્ભ સાહિત્ય :
(1)    અધ્યયન-અધ્યાપન પ્રક્રિયાનું મનોવિજ્ઞાન
         - ડૉ. નનુભાઈ એસ. દોંગા

0 comments:

एक टिप्पणी भेजें