शनिवार, 12 सितंबर 2020

Decision Making Process

 નિર્ણય પ્રક્રિયા

  | પ્રસ્તાવના :
જીવનમાં દરેક વ્યક્તિને ડગલે ને પગલે કોઈ ને કોઈ બાબતમાં નિર્ણયો લેવાનો હોય છે. કોઈને કોઈ ચિંતકે કહ્યું છે કે આજનો માનવી અનિર્ણયાત્મકતાનો કેદી બન્યો છે. તે હરપળે દ્વિધા અનુભવતો હોય છે. किं करोमि, क्व गच्छामि... એવી દ્વિધાયુક્ત પરિસ્થિતિમાં મનુષ્ય મૂંઝાયેલો હોય છે. પોતાની નોકરી, લગ્ન કે કારકિર્દી યા અભ્યાસની પસંદગી...દરેક બાબતમાં વ્યક્તિએ પોતાને અનુકૂળ નિર્ણયો લેવાના હોય છે. વ્યક્તિ જલ્દી નિર્ણય લઇ શકતી નથી કારણ કે તે ડગલે ને પગલે અસલામતી (insecurity) અનુભવતો હોય છે. આથી નિર્ણય લેવા માટે માનસિક પરિપક્વતા (mental maturity)ની આવશ્યકતા ઊભી થાય છે.
આથી જીવનમાં અને દરેક પ્રકારનાં વ્યવસ્થાપનમાં ડગલે ને પગલે નિર્ણયો લેવાની આવશ્યકતા ઊભી થાય છે. શૈક્ષણિક વ્યવસ્થાપનમાં શાળા શરૂ કરવાથી માંડીને, સ્ટાફની ભરતી, વિદ્યાર્થીઓનો પ્રવેશ, શાળા માટેની નાણાંકીય જોગવાઈઓ, ખર્ચ કરવા માટેની બાબતો... આવી અનેક બાબતો અંગે વ્યવસ્થાપકોએ કે શાળાના   આચાર્યે નિર્ણયો લેવના હોય છે. કેટલીક બાબત અંગે તાત્કાલિક નિર્ણયો લેવા પડે છે તો કેટલીક બાબતોમાં વિચાર કરીને નિર્ણયો લેવા પડે છે.
વ્યવસ્થાપક મંડળ કે સમિતિ સમક્ષ જયારે કોઈ પ્રશ્ન કે સમસ્યા ઊભી થાય ત્યારે તે પ્રશ્નના ઉકેલ માટે કોઈને કોઈ નિર્ણય લેવાની જરૂરિયાત ઊભી થાય છે. નિર્ણય  લેવાની જયારે જરૂર પડે છે, ત્યારે આપણી સામે એક કરતાં વધુ વિકલ્પો ઊભા થાય છે. આ વિકલ્પોમાંથી સૌથી શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરવા અંગેનો નિર્ણય લેવો પડે છે. આથી નિર્ણય પ્રક્રિયા એટલે વધુ વિકલ્પોમાંથી શ્રેષ્ઠતમ વિકલ્પ પસંદ કરવો તે.  આમ, નિર્ણય પ્રક્રિયા એ વહીવટી પ્રક્રિયાનો એક મહત્વનો ભાગ છે વહીવટ યા પ્રશાસનનું અગત્યનું ઘટક (Complement) છે.


  | નિર્ણય પ્રક્રિયા : વ્યાખ્યા
કેટલાંક ચિંતકો નિર્ણય પ્રક્રિયાને વહીવટની કરોડરજજુ સાથે સરખાવે છે. જેમ્સ એલ. મેકકેમીના કથન મુજબ “પ્રશાસનના સમગ્ર લક્ષણો એ નિર્ણય પ્રક્રિયા સાથે જોડાયેલાં કે સુગ્રથિત હોય છે.”
è  સ્ટીફેન જે. knezevich –
“સુયોગ્ય એવાં સ્પર્ધાત્મક વિકલ્પોની શ્રેણીમાંથી જાગૃતિપૂર્વક વિકલ્પ પસંદ કરવાની પ્રક્રિયા તે નિર્ણય પ્રક્રિયા છે.”
è  જ્યોર્જ આર. ટેરી –
“બે કે તેથી વધુ શક્ય વિકલ્પોમાંથી અમુક ધોરણોને આધારે કોઈ એક વર્તન વિષયક વિકલ્પની પસંદગી કરવી તે નિર્ણય પ્રક્રિયા છે.”
è  રૂસ્તમ દાવર –
“યોગ્ય સમયના ગાળામાં શક્ય પસંદગીમાંથી શ્રેષ્ઠ ઉકેલ મેળવવાની પ્રક્રિયા.”
è  ડાલ્ટન મેકફર લેન્ડ –
“નિર્ણય પ્રક્રિયા પસંદગી કરવાનું એક કાર્ય છે જેના દ્વારા વહીવટી અધિકારી અથવા વ્યવસ્થાતંત્ર અનેક વિકલ્પોમાંથી કોઈ એક સ્થિતિ અથવા પ્રવૃત્તિ પસંદ કરે છે.”
  | નિર્ણય પ્રક્રિયા : સંકલ્પના
-       બે કે વધુ વિકલ્પોમાંથી ચોક્કસ માપદંડને આધારે શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરવાની પ્રક્રિયા.
-       યોગ્ય સમયમાં યોગ્ય ક્ષણે અન્ય વિકલ્પોમાંથી શ્રેષ્ઠતમ વિકલ્પ પસંદ કરવાની પ્રક્રિયા.
-       નિર્ણય પ્રક્રિયા એ વહીવટી અધિકારી દ્વારા વિચારપૂર્વક પસંદ કરવામાં આવેલો શ્રેષ્ઠતમ વિકલ્પ.
-       માત્ર એક જ વિકલ્પ હોય ત્યાં નિર્ણય લેવાની જરૂર નથી.
-       ચોક્કસ હેતુની સિદ્ધિ માટે અવરોધક બનતી સમસ્યાઓને હલ કરવાનો શ્રેષ્ઠ ઉપાય.

  | નિર્ણય પ્રક્રિયાના લક્ષણો :
નિર્ણય પ્રક્રિયાના નીચેના લક્ષણો ગણાવી શકાય.—
(1)    હકીકતો : નિર્ણય કોઈ હકીકતોને આધારે લેવામાં આવે છે. હકીકતોમાં કેટલું તથ્ય છે, એટલે કે હકીકત યોગ્ય છે કે અયોગ્ય છે તે માટેનો વિચારપૂર્વક નિર્ણય લેવામાં આવે છે.
(2)    મૂલ્યો : કોઈપણ નિર્ણય લેતી વખતે તે મૂક્ય આધારિત હોય છે. આખરે તો નિર્ણય એટલે મૂલ્યાંકન. નિર્ણય પ્રક્રિયા એ કોઈપણ બાબતનું શ્રેષ્ઠ મૂલ્ય અંકન છે. આ ઉપરાંત નિર્ણયો સામાજિક, નૈતિક મૂલ્યોને ધ્યાનમાં રાખીને લેવામાં આવે છે.
(3)    આધારહીન માહિતી : કેટલીકવાર આધારહીન માહિતીના તથ્યાતથ્ય નિશ્ચિત કરવા માટે નિર્ણય લેવામાં આવે છે.
(4)    વ્યવસ્થાપનનું અંગ : નિર્ણય પ્રક્રિયા વ્યવસ્થાપનનું મહત્વનું અંગ છે. ઘણીવાર વ્યવસ્થાપનમાં આયોજન, અમલીકરણ, માહિતી સંચાર, અંદાજપત્ર, નિયંત્રણ અંગે યોગ્ય નિર્ણય લેવા પડે છે.
(5)    વિકલ્પની પસંદગી : નિર્ણય પ્રક્રિયામાં બે કે બેથી વધુ વિકલ્પો હોય છે. જયારે બેથી કે તેથી વધુ વિકલ્પો હોય ત્યારે નિર્ણય લેવામાં દ્વિધા ઊભી થાય છે. જો વિકલ્પો ન હોય તો નિર્ણય લેવાની જરૂરિયાત ઊભી થતી નથી. આથી નિર્ણય પ્રક્રિયામાં વિવિધ વિકલ્પોમાંથી શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરવામાં આવે છે.
(6)    બૌદ્ધિક પ્રક્રિયા : નિર્ણય પ્રક્રિયામાં તર્કબુદ્ધિ યા નિર્ણયાત્મક શક્તિનો ઉપયોગ કરવો જરૂરી બને છે. નિર્ણય લેવામાં બુદ્ધિ-બૌદ્ધિક  પ્રક્રિયા અને તર્કબદ્ધતા મહત્વનો ભાગ ભજવે છે. નિર્ણય લેવામાં સંચાલક યા વડાની સારાસાર વિવેકબુદ્ધિ કાર્ય કરે છે.
(7)    તર્કશુદ્ધ ચિંતન : નિર્ણય પ્રક્રિયામાં બૌદ્ધિક વ્યાયામ અગત્યનો છે. સમજપૂર્વકની વિચારણા કે તર્કશુદ્ધ ઊંડું ચિંતન નિર્ણય પ્રક્રિયામાં મહત્વનો ભાગ ભજવે છે. આથી નિર્ણય લેતી વખતે ઊંડી વિચારણા જરૂરી છે.
(8)    અવલંબિતતા : યોગ્ય સમયે, યોગ્ય સમસ્યા કે બાબત અંગે યોગ્ય વિચારણા કરી, યોગ્ય યા શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરવો જોઈએ. નિર્ણય જો વિલંબથી લેવામાં આવે તો તે સાર્થકતા ગુમાવે છે. આથી વિના વિલંબે યોગ્ય સમય અવધિમાં નિર્ણય લેવાવો જોઈએ.



  | નિર્ણય પ્રક્રિયાનું મહત્વ :
(1)    સંસ્થાના ઉદ્દીશ્યની સિદ્ધિ : નિર્ણય પ્રક્રિયાની અસર લાંબાગાળે સંસ્થાના ઉદ્દેશોની સિદ્ધિ પર પડે છે. શાળાના કે સંસ્થાના નિશ્ચિત ઉદ્દેશો સિદ્ધ કરવા માટે સંચાલકે યા શાળાના આચાર્યે સંસ્થાના સમગ્ર હિતમાં નિર્ણયો લેવા પડે છે.
(2)    સમસ્યાનો ઉકેલ : જયારે શાળામાં કોઈપણ સમસ્યા ઊભી થાય છે ત્યારે જે તે સમસ્યાને હાલ કરવા માટે નિર્ણય પ્રક્રિયા જરૂરી બની જાય છે. નિર્ણય લેવાથી તંગદિલી હળવી થાય છે, સંસ્થામાં પ્રવર્તતી બેચેની દૂર થાય છે.
(3)    સફળ સંચાલન માટે :  સંસ્થાના સફળ સંચાલન માટે નિર્ણય લેવા અત્યંત જરૂરી બને છે. શિક્ષકોને વિષયોની વહેંચણી કરવી, સમયપત્રક ગોઠવવું, કાર્યબોઝ નિશ્ચિત કરવો, પરીક્ષાની તારીખો ગોઠવવી વગેરે દરેક બાબતમાં નિર્ણયો લેવા પડે છે. આનાથી શાળાનું સંચાલન અસરકારક અને ક્ષમતાપૂર્ણ બને છે. આથી શાળાના સફળ સંચાલન માટે નિર્ણયો લેવા જરૂરી બને છે.
(4)    વિદ્યાર્થીઓની સમસ્યાઓ દૂર કરવા : વિદ્યાર્થીઓના કેટલાંક સામાજિક, આર્થિક અને શૈક્ષણિક પ્રશ્નો હોય છે. આવે વખતે શાળાના આચાર્યે વિદ્યાર્થીઓના પ્રતિનિધિઓ સાથે મળીને તેમની સમસ્યાઓનો ઊંડાણપૂર્વક સમજીને તેમની સમસ્યાઓ દૂર કરવા માટે નિર્ણય પ્રક્રિયાનો આશ્રય લેવો પડે છે. વિદ્યાર્થીઓની સમસ્યાઓ નીચે મુજબની હોઈ શકે. –
-               શાળાના અમુક વારમાં શિક્ષક બરાબર ભણાવતા નથી.
-               વિદ્યાર્થીઓ દૂરથી આવતા હોવાથી શાળામાં સમયસર પહોંચી શકતા નથી.
-               વિદ્યાર્થીઓ માટે રમતગમતનાં સાધનો નથી.
-               વિદ્યાર્થીઓને ગૃહ્કાર્યનો બોજો વધારે પડે છે.
(5)    પરીક્ષાના પરિણામો અંગે : શાળાના આચાર્યે શાળાના પરિણામોની અવારનવાર સમીક્ષા કરવી જોઈએ. પરિણામો નીચાં હોય તો તેને માટે વિચારણા કરી પરિણામો ઊંચા લાવવા માટે કેટલાંક નિર્ણયો લેવા જોઈએ.
(6)    નિદાનાત્મક અને ઉપચારાત્મક કાર્ય માટે : કેટલાંક વિદ્યાર્થીઓ શિક્ષણમાં નબળા હોય છે. તેવા વિદ્યાર્થીઓનું નિદાન કરવા માટે નિદાનાત્મક કસોટીઓ યોજીને ઉપચારાત્મક ઉપાયો કરવા જરૂરી બને છે. આ માટેની વ્યવસ્થા ગોઠવવા આચાર્યે શિક્ષકોની મદદથી નિર્ણયો લેવા જોઈએ.
(7)    સહાભ્યાસિક પ્રવૃત્તિઓનું આયોજન અને અમલીકરણ : સહઅભ્યાસ પ્રવૃતિઓનું યોગ્ય આયોજન થાય અને તેમનું સમયબદ્ધ અમલીકરણ થાય તે માટે આચાર્યે શિક્ષકોના સહકારથી યોગ્ય નિર્ણયો લેવા પડે છે.
(8)    અંદાજપત્ર અને આર્થિક સ્રોતોનું નિર્માણ : આચાર્યે શાળાના વિકાસ માટે વર્ષની શરૂઆતમાં આવક-જાવકનું અંદાજપત્ર બનાવવું પડે છે. તે માટે યોગ્ય નિર્ણયો લઈને આવકના સ્રોતો અને ખર્ચનું સંતુલન જળવાઈ રહે તે માટે નિર્ણય પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે.
(9)    શાળાના નીતિનિયમો અને શિસ્ત : દરેક શાળાને પોતાનાં આગવા નીતિનિયમો અને પરંપરાઓ હોય છે. તે શાળાને આગવી ઓળખ (IDENTITY) આપે છે. આથી શાળા પોતે પોતાનાં આગવા નીતિ નિયમો – ગણવેશ અંગે, શાળાના સમય અંગે, શિસ્ત અંગે ઘડી શકે છે. તે પોતાની પરંપરા નિશ્ચિત કરે છે. શાળાના સુચારુ સંચાલન માટે નીતિનિયમો ઘડી કાઢવામાં નિર્ણય પ્રક્રિયાનો સહારો લેવો પડે છે.
(10)   શાળાના ભાવિ વિકાસનાં આયોજન માટે : શાળાના વર્તમાન અને ભાવિ વિકાસ માટે સંચાલકો, આચાર્ય અને શિક્ષકોએ વાલીઓના સહકારથી યોગ્ય નિર્ણયો લેવા પડે છે. નીચેની બાબતોમાં નિર્ણયો લેવા આવશ્યક બને છે. –
               -               શાળાની સંખ્યા ઘટતી હોય ત્યારે.
               -               શાળાની સંખ્યામાં વૃદ્ધિ થતી હોય ત્યારે.
               -               શાળામાં નવા અભ્યાસક્રમો દાખલ કરવા માટે.
               -               શાળામાં ભૌતિક સુવિધાઓની વૃધ્ધિ માટે.
આમ, શાળાના કે સંસ્થાના સંચાલકોએ યા આચાર્યે જાગૃત રહીને નિર્ણય લેવા પડે છે. શાળાના આચાર્ય યા નેતા જેટલાં દૃષ્ટિપૂર્ણ અને વિધાયક નિર્ણયો લઇ શકે તેટલા પ્રમાણમાં શાળાનું સંચાલન સફળ બને છે.
  | નિર્ણય પ્રક્રિયાના સોપાનો :
કોઈપણ નિર્ણય લેતી વખતે સામાન્ય રીતે ક્રમબદ્ધ રીતે નીચેના સોપાનો (Step) અનુસરવામાં આવે છે.
(1)    ધ્યેયો અને લક્ષ્યાંકોનું સ્પષ્ટીકરણ (Clarification of goals) : નિર્ણય લેતી વખતે આપણી સમક્ષ ધ્યેયો અથવા લક્ષ્યાંકોની સ્પષ્ટ સમજ હોવી અનિવાર્ય છે. આપણે આપણા નિર્ણય દ્વારા કયો ધ્યેય સિદ્ધ કરવા માગીએ છીએ તે બાબતનું સ્પષ્ટ દર્શન હોવું જરૂરી છે. સંસ્થાના  જયારે કોઈપણ બાબત અંગે નિર્ણય લે ત્યારે તેમની સમક્ષ સંસ્થાના અને શિક્ષણના ધ્યેયો સ્પષ્ટ હોવાં જોઈએ. તેમને લીધેલા નિર્ણયથી કયો ધ્યેય સિદ્ધ કરી શકશે તે દૃષ્ટિ સમક્ષ હોવું જરૂરી છે.
(2)    હકીકતો (તથ્યો) અને માહિતીનું એકત્રીકરણ : જે તે હેતુઓ સાથે સુસંગત હકીકતો (તથ્યો), અભિપ્રાયો અને ખ્યાલો અંગેની માહિતીનું એકત્રીકરણ (Collection of fact, opinions, ideas) સંસ્થાના  જયારે કોઈપણ નિર્ણય લે ત્યાર પહેલાં જે બાબત અંગે નિર્ણય લેવાના હોય તે બાબત અંગે સમગ્ર હકીકતો કે તથ્યો અને તે અંગેના વિવિધ અભિપ્રાયો અને જુદીજુદી  વિચારણાઓ અથવા ખ્યાલો અંગેની સમગ્ર માહિતી એકત્ર કરવી જોઈએ. હકીકતો કે માહિતી, લોકોનાં તે અંગેના અભિપ્રાયો વગેરે સંબંધિત સ્થળોએથી એકત્ર કરી તેનાં પર પુખ્ત વિચારણા હાથ ધરાવી જોઈએ.
(3)    પ્રાપ્ત માહિતી (Data) નું વિશ્લેષણ (Analysis of Data Collected) : જે હકીકતો કે તથ્યો સંપૂર્ણપણે પૃથક્કરણ યા વિશ્લેષણ કરી, માહિતી કે તથ્યો અને આધારભૂતતાથી પ્રમાણભૂત, યથાર્થતા અને વિશ્વાસનીયતાની પૂર્ણ ચકાસણી કરવી જોઈએ અને યોગ્ય તથ્યો તારવવા જોઈએ.
(4)    ઉપલબ્ધ (પ્રાપ્ય) વિકલ્પોનું નિર્ધારણ (Formulation of Alternations which are available) : આમ, માહિતીનાં વિશ્લેષણ પછી તેમાંથી ઉપલબ્ધ વિકલ્પો નક્કી કરવા જોઈએ. કયા કયા વિકલ્પો નિર્ણય પ્રક્રિયામાં મદદરૂપ થાય છે તે બધાં વિકલ્પો નિશ્ચિત કરી લેવા જોઈએ અને એક પછી એક વિકલ્પો-ઉપાયો પર વિચારણા શરૂ કરવી જોઈએ.
(5)    ધ્યેયો ધ્યાનમાં રાખી વિકલ્પોનું મૂલ્યાંકન (Evaluation of alternatives) : જુદા જુદા વિકલ્પો પર એક પછી એક વિકલ્પ લઈને તેની વિચારણા કરી તે દરેકનાં હેતુને ધ્યાનમાં રાખીને મૂલ્યાંકન કરવું જોઈએ. એક પછી એક વિકલ્પની આસપાસની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી પૂરતી ચકાસણી યા મૂલ્યાંકન કરવું જોઈએ. આમ, બધાનું મૂલ્યાંકન કરી શ્રેષ્ઠ – એક માત્ર વિકલ્પ પસંદ કરવો જોઈએ.
(6)    શ્રેષ્ઠ વિકલ્પની પસંદગી (Selecting the most desirable alternative) : બધાં વિકલ્પોમાંથી સંપૂર્ણ પરિસ્થિતિનો વિચાર કરી શ્રેષ્ઠ વિકલ્પ તારવવો તેને નિર્ણય કહેવામાં આવે છે. બે કે વધુ વિકલ્પોમાંથી સર્વોત્તમ વિકલ્પ એ નિર્ણય પ્રક્રિયાનું અંતિમ સોપાન છે. આ વિકલ્પ જ આખરી અને નિર્ણયાત્મક વિકલ્પ બની રહે છે જેને આપણે નિર્ણય કહીએ છીએ.


  | નિર્ણયોના પ્રકાર (Types of Decisions) :
નિર્ણયોના પ્રકારો નીચે મુજબ ગણાવી શકાય. –
     (1) આપખુદશાહી નિર્ણયો (Authoritarian Decisions) : આ પધ્ધતિમાં સંચાલક યા શાળાના આચાર્ય પોતાની રીતે નિર્ણય લે છે. તેઓ હુકમો, આદેશો આપે છે અને નિર્ણયોનો અમલ કરવાનું જણાવે છે. આ નિર્ણયો એકપક્ષી હોય છે. આવાં નિર્ણયો કર્મચારીઓ, વિદ્યાર્થીઓ પર ઉપરથી લાદવામાં આવે છે. આ નિર્ણયોનો શિક્ષકો, કર્મચારીઓ અને વિદ્યાર્થીઓને અમલ કરવાનો જ રહે છે. આવાં નિર્ણયો આપખુદશાહી ગણાય છે.
      (2) લોકશાહી (સહભાગી) નિર્ણયો (Democratic Decisions) : આ પધ્ધતિમાં નિર્ણય તો સંસ્થાના વડા જ લે છે, પરંતુ જુદી જુદી કક્ષાના કર્મચારીઓ, શિક્ષકો કે વિદ્યાર્થીઓના મંતવ્યો કે અભિપ્રાયો જાણીને બહુમતીથી લોકશાહી પધ્ધતિથી નિર્ણયો લેવામાં આવે છે.
      (3) અનુજ્ઞા નિર્ણયો (Appellate Decisions) : આ પધ્ધતિમાં જે તે કર્મચારીઓ, વિભાગો, વિદ્યાર્થીઓ તરફથી કોઈ બાબત અંગે જયારે આચાર્યને સંપર્કમાંથી નિર્ણય લેવાનું કહેવામાં આવે ત્યારે તેમની વિનંતીને ધ્યાનમાં રાખીને સંબંધિત બાબત અંગે યોગ્યાયોગ્યતાનો વિચાર કરી નિર્ણય લેવામાં આવે છે.
     (4) સર્જનાત્મક નિર્ણયો (Creative Decisions) : શાળાના વડા કે સંચાલક જો દૃષ્ટવંત હોય અને તેમનામાં પહેલવૃત્તિ હોય તો તેઓ સંસ્થા માટે કેટલાંક સર્જનાત્મક નિર્ણયો લે છે. આવાં નિર્ણયો સંસ્થાના વિકાસ માટે ખૂબ મહત્વના હોય છે. સંસ્થાની પ્રગતિ માટે આવાં Creative નિર્ણયો આવકારદાયક છે.
  | ઉપસંહાર :
આમ, વ્યવસ્થાપનમાં નિર્ણય પ્રક્રિયાનું આગવું મહત્વ છે. કોઈપણ શૈક્ષણિક સંસ્થા, પેઢી કે ઔદ્યોગિક સંસ્થામાં સંસ્થાના વડાએ કેટલાંક નિર્ણયો લેવાના હોય છે. સંસ્થાના નિર્ણયો સંસ્થાના આચાર્ય કે વડા યા મેનેજરની વિવેકબુદ્ધિ પર આધાર રાખે છે. કોઈપણ સંસ્થાના વડાએ નીરક્ષીર વિવેકે – સારાસાર વિશે જાગૃતિ રાખીને નિર્ણયો લેવા પડે છે. નિર્ણય પ્રક્રિયાની અસર સમગ્ર સંચાલન પર થાય છે.
|  
 | સંદર્ભ સાહિત્ય :
Ø રાવલ નટુભાઈ, (૨૦૦૯-૨૦૧૦), “વર્તમાન હિતસંબંધો (નિસબતો) અને શિક્ષણના પ્રવાહો”, અમદાવાદ : નીરવ પ્રકાશન 

0 comments:

एक टिप्पणी भेजें