કેળવણીની પ્રક્રિયાનું સ્વરૂપ (Process form of education)

🔊 Listen
Press Play to listen.

 

પ્રશ્ન : કેળવણીની પ્રક્રિયાનું સ્વરૂપ ઉદાહરણ સહિત સમજાવો.

« પ્રસ્તાવના :
             ભારતીય સંસ્કૃતિ વિશ્વની સૌથી પુરાણી સંસ્કૃતિમાં અગ્રસ્થાન ધરાવે છે. ભારતીય સંસ્કૃતિના નિર્માણ અને વિકાસમાં ઋષિમુનિઓ, દાર્શનિકો, તત્વજ્ઞાનીઓનો સવિશેષ ફાળો છે. આથી ભારતીય સંસ્કૃતિ પૂર્વના દેશો (પૌર્વાત્ય)ને જ નહીં પરંતુ પાશ્ચાત્ય દેશોને પણ જીવન અંગેનું માર્ગદર્શન પૂરું પાડે છે.

            કેળવણી વિના માનવ જીવનની કે માનવ વિકાસની પ્રક્રિયા સંભવિત નથી એટલે જ કેળવણીકારનો અર્થ સમજવો આપના માટે જરૂરી બને છે.

« કેળવણી નો અર્થ :
                  કેળવણી માટે વપરાતો અંગ્રેજી શાનદ Education નીચેના લેટિન ભાષાના ચાર શબ્દોમાંથી ઊતરી આવ્યો છે.

Educere   - બહાર લાવવું, આવિષ્કારવું
Educo     - આગળ વધારવું, વિકસાવવું
Educare   - સંભાળ રાખવી, જાતન કરવું, ઉછેરવું, વિકસાવવું
Educum   - શીખવવું, તાલીમ અપાવી.

                   ઉપરોક્ત, શબ્દર્થોને આધારે દર્શનશાસ્ત્રીઓ કેળવણીને માનવીના ભીતરમાં પડેલાં ઉત્તમ તત્વોને બહાર લાવવાની પ્રક્રિયા ગણે છે. કેળવણી એટલે વ્યક્તિમાં પડેલી આંતરિક શક્તિઓ બહાર લાવવાની, વિકસાવવાની પ્રક્રિયા. ગૂજરાત વિદ્યાપીઠના શબ્દકોશમાં કેળવણીનો અથ આ મુજબ આપ્યો છે :
(1)   કેળવવું તે.
(2)   વ્યવસ્થિત ઉછેર, ખીલવણી અને શિક્ષણ

  «  કેળવણીની પ્રક્રિયાનું સ્વરૂપ :
        કેળવણી વ્યક્તિના વર્તનમાં વિધાયક અને લાંબાગાળાના પરિવર્તનો લાવવાની પ્રક્રિયા છે. કેળવણીને એક પ્રક્રિયા તરીકે મૂલવતાં આ પ્રક્રિયાની સમજ પ્રાપ્ત કરવી આવશ્યક બને છે.
જે નીચે મુજબ છે. --
(1)     કેળવણી દ્વિ ધ્રુવીય પ્રક્રિયા
(2)     કેળવણી ત્રિ ધ્રુવીય પ્રક્રિયા
(3)     કેળવણી એક ધ્રુવીય પ્રક્રિયા.

[1]          કેળવણી દ્વિ ધ્રુવી પ્રક્રિયા :
            કેળવણીની પ્રક્રિયાના બે ઘટકો શીખનાર અને શીખવનાર, અધ્યેતા અને અધ્યાપક અથવા તો ગુરુ અને શિષ્ય છે. કેળવણીમાં આ બંને ધ્રુવોને મહત્વ આપીને કેળવણીને દ્વિ ધ્રુવી પ્રક્રિયા ગણવામાં આવે છે.
આકૃતિ : કેળવણીની દ્વિ ધ્રુવી પ્રક્રિયા 

    કેળવણી દ્વિ ધ્રુવી પ્રક્રિયા ત્યારે જ સંભવિત બની શકે જયારે આ બંને ધ્રુવો, અધ્યેતા અને અધ્યાપક સક્રિય હોય. શીખવાની ક્રિયામાં શીખનાર સક્રિય હોય તે ખૂબ જરૂરી છે. જો શીખનાર એટલે કે વિદ્યાર્થી સક્રિય ન હોય તો કેળવણીની ક્રિયા આકાર પામતી નથી. એવી જ રીતે શીખવનાર એટલે કે શિક્ષક પણ સક્રિય હોવાં જોઈએ. શિક્ષકના વાણી, વર્તન અને વ્યવહાર શીખનારને શીખવા પ્રેરે એવાં હોવાં જોઈએ. જો આ બંને ધ્રુવોમાંથી એક ન હોય અથવા બંનેમાંથી એક સક્રિય ન હોય તો કેળવણીની પ્રક્રિયા થતી નથી.

[2]          કેળવણી ત્રિ ધ્રુવી પ્રક્રિયા :
          કેળવણી એ વ્યક્તિના વર્તનમાં ઇષ્ટ પરિવર્તનો લાવવાની પ્રક્રિયા છે. પરંતુ આ ઇષ્ટ પરિવર્તનો લાવવા વિદ્યાર્થીને કેટલાંક અનુભવો આપવા અનિવાર્ય છે. જો આ અનુભવો ન અપાય તો અપેક્ષિત પરિવર્તનો લાવી શકાય નહીં. અનુભવોના આ સમુચ્ચાયને આપણે અભ્યાસક્રમ (Curriculum) તરીકે ઓળખીયે છીએ. કેટલાંક કેળવણીકારો અભ્યાસક્રમને ત્રીજા ધ્રુવ તરીકે ઓળખે છે. અને કેળવણીની પ્રક્રિયાને ત્રિધ્રુવી ગણે છે. અભ્યાસક્રમમાં વિદ્યાર્થીની વયકક્ષા, માનસિક ક્ષમતા, વિદ્યાર્થીના રસ, સમાજની જરૂરિયાતો વગેરે ધ્યાનમાં રાખીને વિવિધ વિષયોનું શિક્ષણ અપાય છે અને તેમાં કેટલીક સહઅભ્યાસ પ્રવૃતિઓ પણ સમાવાય છે. કેળવણીની પ્રક્રિયાનું ત્રિધ્રુવી સ્વરૂપ આકૃતિ દ્વારા આ મુજબ દર્શાવી શકાય. –
આકૃતિ :- કેળવણી ત્રિધ્રુવી પ્રક્રિયા
કેળવણીના આ ત્રણેય ધ્રુવ સબળ હોય તો જ કેળવણીની પ્રક્રિયા આકાર લે છે. અધ્યાપક અધ્યેતાના વર્તનમાં પરિવર્તન લાવવા અભ્યાસક્રમને આધારે શિક્ષણાનુભવો પૂરા પાડે છે. વિદ્યાર્થીને યોગ્ય અનુભવો પૂરા પાડવા અધ્યાપકે અભ્યાસક્રમનો આધાર લેવો પડે છે. આમ, કેળવણીના ત્રિધ્રુવી પ્રક્રિયાના ત્રણ ઘટકો કે ધ્રુવો અધ્યેતા એટલે કે વિદ્યાર્થી, અધ્યાપક અને અભ્યાસક્રમ છે.

[3]        કેળવણી એક ધ્રુવી પ્રક્રિયા :
આધુનિક મનોવિજ્ઞાન કેળવણીની પ્રક્રિયામાં માત્ર એક જ ધ્રુવ અધ્યેતાને મહત્વનો ગણે છે. જો કે કેળવણીની પ્રક્રિયામાં બીજા ઘણાં પરિબળો પણ મહત્વના છે. પરંતુ કેન્દ્ર સ્થાને અધ્યેતા કે શીખનાર છે. કેળવણીની એક ધ્રુવ પ્રક્રિયા ઘણાં પરિબળોથી પ્રભાવિત થાય છે. આવાં પરિબળોમાં શીખનાર, શિક્ષક, શીખવાની વસ્તુ એટલે કે અભ્યાસક્રમ, શાળાનું પર્યાવરણ, ભૌતિક સુવિધાઓ, પાઠ્યપુસ્તક, શિક્ષણના સાધનો, શીખવાની ક્રિયાને પ્રેરનારા પરિબળો વગેરેનો સમાવેશ કરી શકાય. કેળવણીની એક ધ્રુવી પ્રક્રિયાને ચિત્રાત્મક રીતે આ મુજબ દર્શાવી શકાય. –
આકૃતિ : કેળવણીની એક ધ્રુવી પ્રક્રિયા
કેળવણી ભલે આ અને આવાં અન્ય પરિબળો દ્વારા પ્રભાવિત થતી હોય પરંતુ તેના કેન્દ્રસ્થાને અધ્યેતા છે. કેળવણીની પ્રક્રિયા આ એક ધ્રુવની આસપાસ આકાર પામે છે. અધ્યેતા કેન્દ્રસ્થાને છે. બાકીની બધી જ બાબતો મહત્વની હોવાં છતાં અધ્યેતા કરતાં ગૌણ સ્થાને છે.

«   ઉપસંહાર :
કેળવણી તેના સાચા અર્થમાં તો ‘सा विद्या या विमुक्तये’ જ છે. શિક્ષણ એકમાત્ર એવી એવી જડીબુટ્ટી છે કે જે વ્યક્તિ સમાજ અને રાષ્ટ્રનો સર્વાંગી વિકાસ સાધી તેમને પ્રગતિને પંથે દોરી જાય છે. માનવને મહામાનવ બનાવવાની દિવ્ય પ્રક્રિયા એટલે જ કેળવણી. શિક્ષણ દ્વારા જ માનવી પોતાનાં ધ્યેયો નિશ્ચિત કરી તેને પ્રાપ્ત કરી શકે છે.

   ************************************

No comments:

Post a Comment